ભારત દેશ બિનસાંપ્રદાયિક દેશ છે જ્યાં બધા જ ધર્મો તેમજ રાજ્યોના તહેવારો ધામધૂમથી મનાવવામાં આવે છે. આપણે ત્યા તહેવારો નૃત્યના રૂપમાં, રથયાત્રાના રૂપમાં, પાકની ફસલના રૂપમાં તેમજ બીજા ઘણા રૂપમાં મનાવવામાં આવે છે. તો આજે આપણે વાત કરવાની છે દક્ષિણ ભારતના કેરલ રાજ્યના વિશુ તહેવારની. વિશુ તહેવાર કેરલના લોકો જ્યારે તેના પાકની પહેલી ફસલ કાપવા જાય છે ત્યારે મનાવવામાં આવે છે. વિશુ નો આ દિવસ કેરલના મલયાલમી લોકોનું બેસતુ વર્ષ છે. વિશુ તહેવારનો આ દિવસ બીજા રાજ્યોમાં અલગ અલગ નામોથી ઓળખાય છે, જેમ કે : પંજાબમાં લોહરી, અસમમાં બિહુ, તમિલનાડુમાં પોંગલ વગેરે. વિશુનો આ તહેવાર કેરલીયનો માટે દિવાળીની જેમ જ હોય છે. આ દિવસે સ્ત્રીઓ ઘર આંગણે રંગોળી કરે, બાળકો ફટાકડા ફોડે, વડિલો તરફથી ભેટ સોગાદો મળે વગેરે. તો ચાલીએ આ તહેવારના અર્થ, તેની પાછળની રોચક કથા તેમજ તેની ઉજવણીના મહાત્મય વિશે. – Vishu Festival 2019

વિશુ – કેરલનું નવું વર્ષ | Vishu Festival 2019
પરિચય :- વિશુ તહેવાર કેરલના મલયાલમી લોકોનો નવા વર્ષનો પહેલો દિવસ છે. મલયાલમી લોકોના કેલેન્ડર મુજબ આ તહેવાર વસંત ઋતુમાં આવે છે એટલે કે માર્ચ – એપ્રિલ મહિનાની આસપાસ આવે છે. આ દિવસે સૂર્ય મેષ રાશીમાં પ્રવેશતો હોવાથી આ તહેવારને ‘મેષ સંક્રાંતિ’ પણ કહેવામાં આવે છે. સંસ્કૃત – મલયાલમી શબ્દ ‘વિશુ’ નો અર્થ થાય છે : સમાનતા. આ તહેવાર ભગવાન વિષ્ણુના અવતાર શ્રીકૃષ્ણને સમર્પિત છે એટલે કે આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણની પુજા કરવામાં આવે છે.
ઈતિહાસ :- આ તહેવારની ઉજવણી પાછળ ઘણી પૌરાણિક અને રોચક કથાઓ જોડાયેલી છે, તો ચાલો જાણીએ એના વિશે.
– એક લોકવાયકા અનુસાર, આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણએ નરકાસૂર નામક રાક્ષસનો વધ કર્યો હતો, માટે આ તહેવાર મનાવવામાં આવે છે.
– આ દિવસને ‘સૂર્યના પરત’ દિવસ તરીકે પણ મવનાવવામાં આવે છે. વાત ત્યારની છે કે જ્યારે રાવણનું શાસન હતુ ત્યારે એ સૂર્યદેવને ક્યારેય પૂર્વ દિશામાં ઉગવા જ ન દેતો. કિન્તુ રાવણના મૃત્યુ પછી જે દિવસે સૂર્ય પૂર્વ દિશામાં ઉગવા માંડ્યો હતો, અને એ દિવસ ‘વિશુ’ તહેવારનો હતો.
ઉજવણી:- આ તહેવારની ઉજવણી ત્રણ પડાવમાં કરવામાં આવે છે : વિશુકાની, વિશુસાધ્યા, વિશુપદક્કમ.
1. વિશુકાની :- મલયાલમ શબ્દ ‘કાની’ નો અર્થ થાય છે : “જે પહેલા જોવામાં આવે /જોવા મળે”. વિશુકાની એટલે વિશુના દિવસે જે વસ્તુ પહેલા જોવા મળે તે. આપણે ત્યાં એવી માન્યતા છે કે, નવા વર્ષના પહેલા દિવસે કોઈ શુભ વસ્તુ જોવા મળે તો આખુ વર્ષ સારુ જાય છે. વિશુકાનીને સૌભાગ્ય અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. માટે વિશુ તહેવારના આગલા દિવસથી જ પુજા ઘરમાં શુભ વસ્તુઓ મૂકવામાં આવે છે જેથી કરીને નવા વર્ષના દિવસે પહેલી નજર આવી શુભ વસ્તુઓ પર પડે અને આખુ વર્ષ શુભ અને સમૃદ્ધ જાય. એ શુભ વસ્તુઓમાં – નાળીયેરી, સોપારી, પાંદડા, એરેકા અખરોટ, પીળી કળીના કોન્નાના ફૂલ, કાનમાશી કાજલ, કાચા ચોખા, લીંબુ, સોનેરી કાકડી, જેકફ્રુટ, ધાતુનો અરિસો, એક પવિત્ર પુસ્તક (રામાયણ, ગીતા વગેરે), કોટનની ધોતી અને સિક્કા તથા ચલણી નોટો હોય છે. આ બધી સામગ્રી ધાતુના બનેલા ઈંટ આકારના બનેલા ધાતુના વાસણમાં રાખવામાં આવે છે, જેને મલયાલમમાં ‘ઉરલી’ કહેવામાં આવે છે. અને આની સાથે પરંપરાગત ધાતુના ઈંટ આકારના દિવાને પણ મૂકવામાં આવે છે, જેને ‘નીલવલક્કુ’ કહેવામાં આવે છે. આ બધી વસ્તુ ભગવાનની મૂર્તિની સામે રાખવામાં આવે છે. પરંપરા મુજબ, આ દિવસની વહેલી સવારે પરિવારના બધા જ સભ્યો આંખો બંધ કરીને વિશુનું દર્શન કરવા માટે પૂજા ઘરમાં(મંદિરમાં) જાય છે, જેથી કરીને પહેલી નજર ભગવાનની મૂર્તિ પર પડે અને આ શુભ વસ્તુઓ પર. જેથી કરીને આવનારુ આખુ વર્ષ સમૃદ્ધ અને સૌભાગ્યશાળી રહે. વિશુના દર્શન કર્યા પછી વિશુ પાસે બેસીને ધાર્મિક ગ્રંથ જેવા કે, રામાયણ, ગીતા વગેરેના શ્લોકોનું પઠન કરવામાં આવે છે.
2. વિશુસાધ્યા :-
વિશુખાની પછી આવે છે ‘વિશુસાધ્યા’. સાધ્યા એટલે ‘મીજબાની/જમણવાર’. જેમાં ગૃહિણીઓ સ્વાદિષ્ટ વ્યંજનો તેમજ મિઠાઈઓ બનાવે છે અને ભગવાનને નૈવેદ્ય ધરાવ્યા બાદ પરિવારજનોને પીરસે છે. વિશુસધ્યામાં મીઠી, ગળી અને કડવી વાનગીઓનું કોમ્બીનેશન હોય છે. વિશુના દિવસે ખેતરમાંથી જે પહેલી ચોખાની ફસલ હોય છે, તેમાંથી વાનગી બનાવવામાં આવે છે. આ તહેવારની ત્રણ સ્પેશિયલ વાનગીઓ છે : વિશુકાન્જી, થોરન અને વિશુકટ્ટા. વિશુકાંજીમાં ચોખા, નાળીયેરનું દૂધ અને ડ્રાયફ્રુટ્સ હોય છે. વિશુકટ્ટા વાનગીમાં ખેતરમાંથી લાવેલા પહેલી ફસલના ચોખાનો પાવડર અને નાળીયેરના દૂધમાંથી બને છે, જેને ગોળ સાથે પીરસવામાં આવે છે. થોરન નામની વાનગીઓ સાઈડ ડીશ તરીકે મુકવામાં આવે છે. આ ઉપરાંત વેપ્પમપુરસ્સમ નામની લીમડાના પાન અને મેમ્પાઝાપુલીસરી નામક કેરીનો સૂપ હોય છે.
3. વિશુપદક્કમ :-
વિશુપદક્કમમાં નાના બાળકો નવા કપડા પહેરે છે અને ફટાકડા ફોડે છે. આ દિવસે સગા સંબંધીઓ એકબીજાના ઘરે જાય છે અને ભેટ સોગાતો આપે છે. વડીલો તેના આશિર્વાદરૂપે પરિવારના લોકોને પૈસા આપે છે. એટલા માટે આ તહેવારને ‘exchange of gifts/money’ નો તહેવાર પણ કહે છે. લોકો સબરીમાલા મંદીર અને શ્રી ગુરૂવયુર શ્રીકૃષ્ણ મંદીરે જાય છે.
મહત્વ :- આ તહેવાર દિવાળી અને બેસતા વર્ષની જેમ જ હોય છે. વિશુ તહેવારમાં ‘વિશુ’ એટલે સમાન થાય છે અર્થાત્ત આ જ તહેવાર બીજા ઘણાય રાજ્યોમાં અલગ અલગ નામોથી મનાવવામાં આવે છે. આ તહેવાર ભગવાન વિષ્ણુના અવતાર શ્રીકૃષ્ણને સમર્પિત છે, માટે વિશુકાનીમાં ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ રાખવામાં આવે છે. આ તહેવાર વસંત ઋતુના આગમનના માનમાં તેમજ નવા વર્ષની શરૂઆતના રૂપમાં મનાવવામાં આવે છે. અ તહેવારને સૌભાગ્ય અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. આ તહેવારમાં લોકો જે નવા કપડા પહેરે છે, તેને’ કોડીવસ્ત્રમ/વિશુકોડી’ કહેવામાં આવે છે. વડિલો દ્વારા તેમજ સગા સંબંધીઓ દ્વારા ભેટ સોગાતો (પૈસા પણ) અપાય છે, જેને ’વિશુકૈનિત્તમ’ કહેવામાં આવે છે. પૈસાના આ રૂપમાં આ ભેટ પ્રકૃતિ, શક્તિ અને લક્ષ્મીનું કોમ્બીનેશન હોય છે. આ દિવસે સ્ત્રીઓ ઘરની બહાર રંગોળી કરે છે. કહેવા જઈએ તો ઘણુ બધુ મહત્વ છે આ તહેવાર વિશે. જેની પાછળ ઘણી બધે પૌરાણિક કથાઓ તેમજ માન્યતાઓ જોડાયેલ છે.